અશોક ગેહલોતનું મોઢું બંધ કરાવવા નીકળેલા રૂપાણી પહેલા અડ્ડા બંધ કરાવે : જયરાજસિંહ

Share On
  •  
  •  
  •  
  •  
  •  

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાય છે એ સંદર્ભે કરેલા નિવેદનથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબને જબ્બરનું ખોટું લાગ્યું છે. હવે દારૂ વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી ભાજપમાં ભળી ગયેલા અલ્પેશ ઠાકોર સાથે મળી વિજયભાઈ અશોક ગહેલોતનું મ્હેણુ ચોક્કસ ભાંગશે એવું એમના ગુસ્સા પરથી લાગી રહ્યું છે. અલ્પેશ ઠાકોરે ભાજપ સરકારને ગુજરાતમાં ચાલતા દારૂના અડ્ડાઓનું લીસ્ટ આપેલું જ છે તેને સાચવી રાખવા જેટલી સભાનતા જો વિજયભાઈ એ રાખી હશે તો હાલ તેમનું કામ સરળ થઈ પડશે . અલ્પેશ ઠાકોર ખુદ પણ આ લીસ્ટ પૈકીના કેટલા અડ્ડા ચાલુ છે કેટલા બંધ થયા એનું ધ્યાન રાખતા જ હશે તો બંધ થવાના અને ચાલુ રહેવાના કારણો પણ જાણતા હશે. વિજયભાઈ નિવેદનો કરવાના બદલે આ તમામ માહીતીના આધારે અલ્પેશભાઈને કારમાં બેસાડી નીકળી પડે તો ચોવીસ કલાકમાં ગહેલોત સાચા કે રૂપાણી એ જાહેર થઈ જાય. દૂધનું દૂધ અને પાણીનું પાણી ની જેમ દારૂનું દારૂ અને રૂપાણીનું પાણી બન્ને મપાઈ જાય.

હા, ઘરે ઘરે દારૂ પીવાય છે એ બાબત થોડી અતિશયોક્તિ ખરી પણ ગલી ગલીમાં તો પીવાય જ છે એ વાસ્તવિકતા તો વિજયભાઈ એ સ્વીકારવી જોઈએ. મેડીકલ કોલેજના ધાબા પરથી દારૂની ખાલી બોટલો પકડાઈ હોવાના સમાચાર આજના અખબારમાં જ છે. રાજસ્થાની ઓ એ દારુ પીને ખાલી બોટલો તો કોલેજનું ધાબુ શણગારવા તો નહીં જ મૂકી ગયા હોય ને ? આ પ્રકારના સમાચાર વિનાનુ ભાગ્યે જ કોઈક દીવસે અખબાર જોવા મળે. નરેન્દ્ર મોદી સમયે SEZ અને SIR તથા વાઈબ્રન્ટમાં આવતા બિનગુજરાતીઓ માટે ચણા મમરાની જેમ દારૂની પરમીટો વહેંચવાનો સીલસીલો રૂપાણીજીએ જાળવી જ રાખ્યો છે. દારૂ થી રોકાણ તો કેટલું આવ્યુ એ ખબર નહી પણ મહાત્મા મંદિર ચોક્કસ અભડાયુ. ગુજરાતમાં પાણી નો ધંધો ૫ હજાર કરોડનો છે તેની સામે શરાબ નો ગેરકાયદે વેપલો ૩૦ હજાર કરોડનો છે. વિધાનસભાના ફ્લોર પર ગુજરાતમાંથી પકડાયેલા દારૂની કિંમત જાહેર થઈ છે તે જ ઘણુ બધુ કહી જાય છે. પકડાય એના કરતા દસ ગણો પીવાય છે એ વાત આખુ ગુજરાત જાણે છે. ગુજરાતના કોઈ વિસ્તારમાં પાણીની અછત હોઇ શકે દારૂની અછત નથી એ સત્ય જેટલું પ્રામાણિકપણે સ્વીકારાય તેટલી જ સમસ્યાને હલ કરી શકાય.

બુટલેગરો પોલીસ પર જીપ ચઢાવી દે તો રૂંવાડુના ફરકે એવા વિજયભાઈ ગહેલોતના કટુસત્ય પર તરફડવા લાગે તે નવાઈની વાત છે. અરે આટલું જ ખોટું લાગતું હોય તો જનતા દારૂના અડ્ડાઓ પર રેડ પાડે ત્યારે કેમ ખોટું ના લગાડ્યું ? મહીલાઓ શરાબ વિરુદ્ધ મેદાને પડી ત્યારે કેમ શરમ ના આવી? તમારા જ હોમટાઉનમાં પોલીસની દારૂની પાર્ટી યોજાઈ ત્યારે કેમ ખરાબ ના લાગ્યું ? તમારા જ એક પૂર્વ સાંસદ દારુના વ્યવસાય સાથે જોડાયા હોવાની અને કેટલાય બુટલેગરોની મોદી સાથેની તસવીરો જોઈ ને કેમ ખોટું ના લાગ્યું ? છાશવારે થતાં લઠ્ઠાકાંડથી ઉજડી જતા પરિવારોના આક્રંદ સમયે કેમ વિજયભાઈ તમને ગુજરાતીઓની આબરુ યાદ ના આવી?

ગુજરાતના મુખ્યમંત્રી કે ગુજરાતમાં દારૂ પર સદંતર પાબંધીનું પાલન થતું હોવાની એફીડેવીટ કરી અશોક ગહેલોતના માથે મારવાના બદલે નિવેદનનો મર્મ સમજ્યા વિના તેને તમામ છ કરોડ ગુજરાતીઓ સાથે જોડી અડ્ડા બંધ કરાવવાના બદલે ગહેલોત અને કોંગ્રેસનું મોઢું બંધ કરાવવાની બાલીશતા કરી રહ્યા છે.અંગ્રેજી દારૂ ગુજરાતમાં બનતો નથી તો આવે છે ક્યાંથી ? કોની રહેમનજર તળે રોજનો કરોડોનો વેપલો થાય છે? વાહનના પીયુસી બાબતે ઉછળકુદ કરતુ તંત્ર દારૂના મામલે કેમ નિષ્ક્રિય છે? આ પ્રશ્નો અંગે સભાનતામાં વિજયભાઈ વિચારશે તો એમને ગહેલોત ની વાતનું આટલું માઠું નહીં લાગે.

ચલો એકવાર માની લઈએ કે ગહેલોતે ગુજરાતીઓ ને દારૂડીયા કહ્યાં તો હવે એમને ખોટા અને ગુજરાતીઓ ને સાચા પાડવા વિજયભાઈ કમર કસે. આજથી ગુજરાતમાં એક ટીંપુ પણ શરાબ નહીં વેચાય એનો સંકલ્પ જાહેર કરે. દારૂબંધીના બ્રાન્ડ એમ્બેસેડર અલ્પેશ ઠાકોર હવે સામે નહીં રૂપાણીની સાથે જ છે. અલ્પેશને સરકારના બાતમીદાર બનાવી ગુજરાતને સંપુર્ણ દારૂમુક્ત કરી બતાવે. બાકી ગાંધીના ગુજરાતમાં ગાંધી આશ્રમની નજીક પણ દારૂ વેચાવાની હકીકત સૌ જાણે છે