કલોલ નગરપાલિકાનાં પક્ષપલટુઓને પાપે શહેરનો વિકાસ રૂંધાયો

Share On
  •  
  •  
  •  
  •  
  •  

કલોલ : કલોલ નગર પાલિકામાં ખુબ ગંદુ રાજકારણ રમાઈ રહ્યું છે ત્યારે તેની સજા શહેરના મતદારોને ભોગવવાની આવી છે. ભાજપ-કોંગ્રેસનાં પક્ષપલટુઓને કારણે સમગ્ર શહેરનો વિકાસ રૂંધાઇ ગયો છે. આયારામ ગયારામની સ્થિતિથી બંને પક્ષોની આબરૂનું બરાબર ધોવાણ થયું છે.


આ અગાઉ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા પ્રમુખપદ માટે ચૂંટણી યોજાઈ હતી. કલોલ નગરપાલિકામાં ભાજપના ૨૪ અને કોંગ્રેસનાં ૨૦ સભ્યો હતા જો કે યોજાયેલ ચુંટણીમાં ભાજપનાં ચાર સભ્યો કોંગ્રેસમાં જોડાતાં ભાજપે સત્તાથી હાથ ધોવા પડયા હતા. કલોલ નગરપાલિકા પ્રમુખ તરીકે તિમિર જયસ્વાલ અને ઉપપ્રમુખ તરીકે પ્રકાશ વરઘડે ચૂંટાઈ આવ્યાં હતા. તેમજ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પદે સુનિલ મેસરીયાની નિમણુંક કરવામાં આવી હતી.

જો કે હવે મામલાએ નવો વળાંક લીધો હતો. પક્ષ પલટો કરનાર સદસ્યો વિરૂદ્ધ ખુદ ભાજપના કાઉન્સિલર પણ કોર્ટમાં ગયા હતા. જો કે હવે ત્રણ સદસ્યોએ ઘર વાપસી કરતા ભાજપશાસિત નગરપાલિકા બનશે. તિમિર જયસ્વાલ, રમીલાબેન પરમાર અને સુનીલ મેસરિયા  ભાજપમાં જોડાઇ ગયા છે. અગાઉ ત્રણેય સદસ્યોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા.


ઉલ્લેખનીય છે કે  ત્રણ સદસ્યોએ ઘર વાપસી કરતા હાલ ભાજપ પાસે ર૪ સીટ અને કોંગ્રેસ પાસે ૨૦ સીટ છે. જેથી હવે પ્રમુખ પદ માટે નગરપાલિકામાં ચુંટણી યોજાશે.


શહેર નરકાગાર બન્યું 

નગર પાલિકામાં આ પ્રકારની ભવાઈ જોતા શહેર નરકાગાર બન્યું છે. ચોમાસાને કારણે તમામ જાહેર માર્ગો ધોવાઈ ગયા છે. મહત્વની વાત તે છે કે પ્રમુખના વોર્ડમાં આવતો શહેરના પૂર્વ-પશ્ચિમને જોડતો અંડરબ્રિજ પણ તૂટી ગયો છે પણ તેનું સમારકામ હજુ હાથ ધરાયુ નથી, આ ઉપરાંત સ્ટેન્ડિગ કમિટી ચેરમેનના ઘરની પાછળ આવેલ ચામુંડા નગરથી લાયન્સ નગરને જોડતા રોડના ઠેકાણાં નથી.

આ ઉપરાંત શહેરના મહત્વના માર્ગો એવા મહેન્દ્ર મિલ રોડ, સ્ટેશન રોડ, નવજીવન રોડ, રેલવે પૂર્વના માર્ગો પર ગાયો-આખલાઓ અડિંગો જમાવીને બેસી ગયા હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આ પશુઓ વાહનચાલકો અને રાહદારીઓને અવાર નવાર ઘાયલ કરતા હોવા છતાં સત્તાધીશોના પેટનું પાણી હલી રહ્યું નથી.