કલોલ : વર્કશોપ સ્ટેન્ડ હોવા છતાં બ્રિજ પરથી મહેસાણા-સરખેજ બસ લેવાતાં મુસાફરોમાં રોષ

Share On
  •  
  •  
  •  
  •  
  •  

કલોલનાં વર્કશોપ ખાતે બ્રિજ બન્યા પછી શહેરના મુસાફરો માટે એસટીની મુસાફરી ત્રાસદાયક બની છે. અનેક રજૂઆતો છતાં ડ્રાઇવર – કંડક્ટરો પોતાની મનમાની કરી બસ બ્રિજ નીચે ના લેતા તેના છેડે મુસાફરોને ઉતારી રવાના થઈ જાય છે. આ કારણે બાળકો-વૃદ્ધ વ્યક્તિઓને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

મહેસાણા – સરખેજ વચ્ચે ટ્રીપ મારતી એસટી બસના ડ્રાઇવર – કંડક્ટરો પણ પોતાને મનફાવે તેમ નિર્ણય લઈને બસો હાંકી રહ્યા છે. વર્કશોપ બ્રિજ નીચે સ્ટેન્ડ હોવા છતાં મહેસાણા – સરખેજ બસ નંબર – GJ-18-Z-5981ના કંડક્ટર દ્વારા મુસાફરો સાથે બેફામ વર્તન કરીને ધરાર બ્રિજ ઉપરથી બસ લેવડાવવામાં આવે છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમુક સમયે ડ્રાઇવર બ્રિજ નીચે બસ લે તો પણ એક કંડકટર સંજય જાની દ્વારા બસ ઉપર લેવા માટે હાક મારે છે.

મુસાફરો દ્વારા આ અંગે મહેસાણા ડેપો મેનેજરને અસંખ્ય વખત રજુઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આ અંગે મુસાફરોએ ચીમકી આપતાં જણાવ્યું હતું કે આ પ્રકારની મનમાની ચાલુ રહી તો નાછૂટકે એસટી વિરુદ્ધ આંદોલન કરવાની નોબત આવશે. મુસાફરોએ વાહન વ્યવહાર મંત્રી સુધી મામલો લઈ જવાની ચેતવણી ઉચ્ચારી છે.

પકવાન ચોકડીએ પણ ભેદભાવ

એસજી હાઇવે પર પકવાન ચોકડીએ પોતાનાં માનીતાઓને લેવા માટે બસ ચોકડી કરતા આગળ ઉભી રાખી સેટિંગથી બેસાડવામાં આવે છે જ્યારે ચોકડી પર અન્ય મુસાફરો હાથ ઊંચો કરે છતાં તેઓ માટે બસ ઉભી રાખવામાં આવતી નથી.