જો ૨૦૧૯ માં ભાજપ જીતે તો નરેન્દ્ર મોદી નહીં પણ આ વ્યક્તિ બની શકે વડાપ્રધાન

Share On
  • 557
  •  
  •  
  •  
  •  
    557
    Shares

આમ તો ૨૦૧૪ માં યોજાયેલી ચૂંટણી વખતે કોંગ્રેસ સામે ૧૦ વર્ષની એન્ટી ઇન્કમબન્સી હતી, તેમની સરકાર સામે વિવિધ ઉભા કરાયેલા બનાવટી આંદોલનો દ્વારા વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો હતો.

ત્યારે ભાજપમાંથી કોઇપણ નેતા પીએમ પદના ઉમેદવાર હોય તો પણ ભાજપની સરકાર બનવાની નિશ્ચિત હતી અને આ તકનો લાભ મળ્યો નરેન્દ્ર મોદીને.

હવે મોદી સરકારને પાંચ વર્ષ પુરા થવામાં ચાર મહિના બાકી છે ત્યારે પ્રજામાં બતાવી શકાય તેવા કોઈ નક્કર કામ નથી. મોંઘવારી, ભ્રષ્ટાચાર, સુરક્ષા, રોજગારી સહિતના મુદ્દે મોદી સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે.

તેમાં પણ નરેન્દ્ર મોદીના નોટબંધી જેવા નિર્ણયોથી દેશના ધંધા બરબાદ થવાની કગાર પર આવી ગયા, દેશવાસીઓ હેરાન પરેશાન થઇ ગયા, તો ઉપરથી જીએસટીના અસફળ અમલીકરણથી પણ વેપાર ધંધાને ભારે નુકસાન થયા.

વેપાર ધંધાથી વિશેષ ભારત ખેતીપ્રધાન દેશ છે અને દેશમાં સૌથી વધુ પીડાઈ રહ્યા હોય તો તે ખેડૂતો છે, એટલે હાલમાં ખેડૂતોનો મુદ્દો પણ સૌથી મોટું સ્થાન રાખે છે અને ખેડૂતો મહત્તમ કક્ષાએ ભાજપના વિરોધમાં છે.


મોદી સરકાર સામે પાંચ વર્ષમાં જ પ્રજામાં રોષની લાગણી ઉભી થઇ ગઈ છે, એટલે જ પાંચ રાજ્યોમાં ભાજપને એકપણ રાજ્યમાં જીત ના મળી અને સત્તા ગુમાવવી પડી.

ભાજપના મૂળ મિશન તેવા હિન્દુત્વના એજન્ડાને તો લાગુ કરવામાં ના આવ્યો ઉપરથી તૃષ્ટિકરણની રાજનીતિ શરુ થઇ ગઈ, ત્યારે સંઘ પરિવાર પણ રામ મંદિર, ૩૭૦, કોમન સિવિલ કોડ જેવા મુદ્દે સવાલ કરી રહ્યો છે.

જેથી હવે નરેન્દ્ર મોદીના નામે ૨૦૧૯ ની ચૂંટણી લડવી ભાજપને મોટી હારનો સામનો કરવો પડી શકે છે.

ત્રણ રાજ્યોમાં એમપી અને છત્તીસગઢમાં તો મુખ્યમંત્રીની ઈમેજ હકારાત્મક હતી પરંતુ નરેન્દ્ર મોદી ફેક્ટર જ હારનું કારણ બન્યું હોય તેવી વાત અંદરખાને ચર્ચાઈ રહી છે.

આ કારણથી હવે ભાજપ કોઇપણ વ્યક્તિને પીએમ પદના ઉમેદવાર બનાવે તો પણ બહુમતી મળવાની કોઈ શક્યતા રહી નથી. હાલમાં પેટા ચૂંટણીઓમાં જ સતત હાર થવાને કારણે ભાજપ ૨૭૦ પર આવી ગઈ છે.

આવી હાલતમાં ભાજપ એકલા હાથે સરકાર બનાવી શકવાની નથી, એક પછી એક સાથી પક્ષો ભાજપનો સાથ છોડી રહ્યા છે. તેના પાછળ મોદી અને અમિત શાહની નિતી જવાબદાર ગણાવાઈ રહી છે.

તેથી ભાજપે જો સરકાર બનાવવી હશે તો અન્ય પક્ષોનો ટેકો લેવો જરૂરી બની જશે, હાલમાં કોંગ્રેસ વિરોધી વિચારધારા ધરાવતા પક્ષો પણ નરેન્દ્ર મોદીના વિરોધમાં કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે નહિતર તેઓ પણ એકસમયે ભાજપના જ સમર્થક હતા.

આમ ભાજપને હવે સરકાર બનાવવા માટે નરેન્દ્ર મોદીના નામે અન્ય પક્ષોનું સમર્થન નહીં મળે તે કારણથી ભાજપ હવે નિતીન ગડકરીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરી શકે છે.

નિતીન ગડકરી સંઘ પરિવારના વિશ્વાસુ અને જુના કાર્યકર ગણવામાં આવે છે, તેઓ અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. આ સાથે જ આજકાલ તેમના નિવેદનો મોદી સરકારની કામગીરીથી વિપરીત આવી રહ્યા છે.

તો નરેન્દ્ર મોદીનો કોંગ્રેસનો અતિશય વિરોધ પણ નડી રહ્યો છે તેની સામે તાજેતરમાં જ નિતીન ગડકરીએ કોંગ્રેસના તે જવાહરલાલ નહેરુના વખાણ કર્યા હતાં કે જેનો વિરોધ કરતાં મોદી થાકતા નથી.

નિતીન ગડકરી તે દરેક વસ્તુથી વિપરીત વાતો કરી રહ્યા છે જેના કારણે નરેન્દ્ર મોદીનો વિરોધ થઇ રહ્યો છે. એટલે કે નિતીન ગડકરીને સોફ્ટ વ્યક્તિત્વ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે, બાજપાઈની જેમ ઉદારમતવાદી બતાવાઈ રહ્યા છે.

તો નિતીન ગડકરી ભાજપને ચૂંટણી લડવા માટે ફંડ પણ લાવી શકવા સક્ષમ છે તેથી ભાજપ તેમને પ્રોજેક્ટ કરી શકે છે, સંગઠન પર પણ તેમની મજબુત પકડ છે.

ત્યારે હવે આવનારા સમયમાં ચાર મહિના તો જોરદાર રાજકીય ડ્રામા જોવા મળવાના છે, અત્યારસુધી કોંગ્રેસમાં ડ્રામા ચાલ્યા પરંતુ હવે કોંગ્રેસનો સમય સારો આવ્યો છે અને ભાજપના વળતા પાણી શરુ થયા છે. આ પરિસ્થિતિમાં હવે કેવા રાજકીય ખેલ રમાય છે તે જોવું રહ્યું.