191 કરોડનું વિમાન ખરીદનાર સરકાર પાસે ખેડૂતોને સહાય આપવા કેમ નાણાં નથી ?

Share On
  •  
  •  
  •  
  •  
  •  

દેશમાંથી વીઆઈપી કલ્ચર દૂર કરવાની મોટી વાતો વચ્ચે ગુજરાત સરકારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને અન્ય વીઆઈપી પદાધિકારીઓને લાવવા-લઈ જવા માટે 191 કરોડ રુપિયાનું નવું વિમાન ખરીદ્યું છે.હાલ સરકાર પાસે જે વિમાન છે તે 20 વર્ષ જૂનું છે અને તેની સ્થિતિ સારી ન હોવાનું કહેવાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લીલા દુષ્કાળ અને કમોસમી વરસાદે ખેડૂતોના બેહાલ કરી દીધા છે. તો બીજી બાજુ વીમા કંપનીએ પ્રિમિયમ ઉઘરાવી લીધા બાદ વળતર ચૂકવવામાં ઠાગા ઠૈયા કરી રહી છે. જેથી ગુજરાતનાં ખેડૂતોમાં ભાર રોષ જોવા મળી રહ્યો છે.

માવઠાને લીધે તમામ પાક નિષ્ફળ ગયો છે ત્યારે વીમા કંપનીએ ખેડૂતોને પૂરો પાક વિમો આપવો જોઈએ,ખેડૂતોને નુકશાની નું ત્વરિત યોગ્ય વળતર તેમજ પશુઓ માટે તાત્કાલિક ઘાસચારો પૂરો પાડવો વગેરે માંગો ખેડૂતો કરી રહ્યા છે. આ અંગે હાર્દિક પટેલે પણ જણાવ્યું હતું કે ખેડૂતો માટે પાક વિમા યોજના સહિત અનેક નિર્ણયો લેવાયા છે તેનો અમલ કરવામાં સરકારની ઉદાસીનતા રહી છે. આથી અમે ખેડૂતોના હિતમાં કામ કરવા સરકારને સાત દિવસનું અલ્ટીમેટમ આપીએ છીએ અને સરકાર જો નિર્ણય નહીં લે તો અમે આંદોલનનો નિર્ણય લીધો છે.


ખેડૂતો માટે કેમ નાણાં નહીં

ગુજરાતમાં કમોસમી વરસાદ કેડો જ નથી મુકતો, પહેલા પાછોતરો વરસાદ પછી ક્યાર અને મહા નામનું વાવાઝોડુ. નવેમ્બરમાં પણ ગુજરાતમાં હજુ ચોમાસુ ચાલી રહ્યુ છે ત્યારે ખેડૂતોને થયેલા નુકસાન માટે વીમા કંપનીઓની ચોરી પકડાઈ ગઈ છે. તેમના હેલ્પલાઈન નંબરથી ફેક ફોર્મ સુધીના ઝોલ છતા થઈ ગયા છે ત્યારે કોંગ્રેસ આ ઘટનાને એક તક તરીકે જોઈ ખેડૂતોનો પક્ષ લઈને આંદોલનની ચિમકી આપી રહી છે.

ખેડૂતોને જો પાક વીમાનું યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો કોંગ્રેસે રસ્તા ઉપર ઉતરી જઈને આંદોલન કરવાની ચિમકી આપી છે. પાક વીમા અંગે સરકાર કંપનીઓના પક્ષે છે કે ખેડૂતોના પક્ષે એ મુદ્દાને પણ કોંગ્રેસે સરકાર સામેની લડતનો એક મુદ્દો બનાવ્યો છે.

સર્વે કંપનીઓ ખેડૂતોને મૂર્ખ સમજે છે

પાક નુકસાનીના સર્વેના નામે ખેડૂતો સાથે ગોલમાલ થઈ રહી છે. જૂનાગઢમાં માવઠાંને કારણે થયેલા પાક નુકસાનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે ટીમ સ્થળ પર જઈને વિગતો નોંધી રહી છે. પરંતુ મહત્વનું એ છે કે કેટલા ટકા નુકસાન થયું છે તે ખાનામાં કંઈ પણ આંકડો લખ્યા વિના જ ખેડૂતોની સહીં લઈ લેવાય છે.અતિવૃષ્ટિ બાદ માવઠું એમ ખેડૂતોએ બે-બે વખત નુકસાનનો માર સહન કરવો પડ્યો છે. ચોમાસામાં તૈયાર થયેલા પાક માવઠાંને કારણે નષ્ટ થઈ ગયા. ખેડૂતોએ પાક વીમા માટે અરજી કર્યા બાદ તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

વિમાનની વિશેષતાઓ જાણો

પ્લેનમાં મોટી બારી લગાવાઈ છે, જેનાથી અંદરે બેસેલી દરેક વ્યક્તિ બહારનો નજારો જોઈ શકશે.
સફર કરનાર દરેક વ્યક્તિ કમ્ફર્ટેબલ રહી શકે તે રીતે કેબિનને ડિઝાઈન કરાઈ છે.
વિમાનમાં હરીફરી શકાય તેટલી સ્પેસ પણ છે. કેબિનને સ્પેસિયસ બનાવાવમાં આવી છે.
વિમાનનો વોશરૂમ પણ લક્ઝુરિયસ છે.
વિમાનમાં કોકપીટમાં તમામ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે


મુખ્યમંત્રીનું હાલનું વિમાન બીચક્રાફ્ટ સુપરકિંગ 20 વર્ષ જૂનું છે. સિવિલ એવિએશન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે લાંબા અંતરની મુસાફરી માટે પ્રતિ કલાક 1 લાખ કે તેથી વધુ રૂપિયાના દરે ખાનગી વિમાનની સેવા લેવી પડતી હતી. એટલે ખરીદવાનો નિર્ણય કરાયો. જૂના વિમાનમાં રિફ્યુલિંગની સમસ્યા હતી.