પરપ્રાંતીઓ પર થયેલ હુમલા મુદ્દે અમિત ચાવડાએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

Share On
  • 71
  •  
  •  
  •  
  •  
  •  
    71
    Shares

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા એ જણાવ્યું છે કે હિંમતનગરના ઢુંઢર ગામે એક બાળકી પર બલાત્કાર ની ઘટના બાદ નિરંકુશ આક્રોશની જે ઘટનાઓ બની રહી છે તે ગુજરાતી સંસ્કૃતિ અને અસ્મિતા ની દ્રષ્ટિએ શોભાસ્પદ નથી. બલાત્કાર કરનાર પીશાચી ગુન્હેગાર ને કઠોરમાં કઠોર સજા મળે તે ભાવના નિ:શંકપણે વ્યાજબી છે પણ બળાત્કારી ને ભાષા, જાતિ, ધર્મ કે પ્રાંત ના કાટલે તોળવુ ના તો તર્કસંગત છે ના ન્યાયસંગત.

આ દીકરી નો બળાત્કારી પરપ્રાંતીય છે એટલે તમામ પરપ્રાંતીય લોકો ને નિશાન બનાવવા તે યોગ્ય નથી. આ પ્રકારની જઘન્ય ઘટના બાદ ક્રોધ અને આક્રોશ થવો સ્વાભાવિક છે પણ આ ઉશ્કેરાટમાં નિરંકુશ બની પેટીયુ રળવા ઘરબાર છોડીને ગુજરાત આવેલા તમામને અપરાધી ગણી સજા આપવી તે કેટલુ યોગ્ય ગણાય?

આ ઉપરાંત તેઓએ જણાવ્યું છે કે દુનિયાના કોઈપણ ભુભાગમાં જ્યાં માનવ વસ્તી હોય ત્યાં એકેય ગુજરાતી ના હોય તે શક્ય નથી. આ પ્રકારે જ્યારે ગુજરાતી તરીકે આપણે ગૌરવ લેતા હોઈએ ત્યારે સમજવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પોતાની સ્વેચ્છાએ ઘર છોડી હજારો કીલોમીટર દુર નોકરી કરવા નથી જતો. રોજગારીની મજબુરી એને ગામ અને ઘર છોડવા મજબૂર કરે છે. કાલે ઉઠીને બીજા દેશ કે રાજ્યમાં આવી જ ભાવના હેઠળ આપણા ભાઈઓ પર હુમલા થશે તો એની જવાબદારી કોની ? વિવિધ ભાષા બોલી અને પરંપરાથી જોડાયેલા દેશની સુંદરતા કોઈ એક રાક્ષસી વૃત્તિ ધરાવનાર અપરાધી ના ક્રુત્ય ને આધાર બનાવી કદરૂપી કરવી વ્યાજબી નથી.

ભાજપ આખીય ઘટના ને રાજકીય સ્વરૂપ આપી વિપક્ષ પર આરોપ મુકી રહી છે પણ તે ભુલી જાય છે કે કઠુઆ અને ઉન્નાવ ની ઘટનાને ધર્મના ચશ્માથી જોવાની તેની હરકતોનું જ આ પ્રતિબીંબ છે. મહારાષ્ટ્રમાં પહેલા ગુજરાતીઓ અને બાદમાં ઉત્તર ભારતીયોને સેકન્ડ સીટીઝન ની જેમ રહેમનજરમાં જોતી શીવસેના સાથે સત્તા સુખ માણતી ભાજપ આજે મગરના આંસુ સારી રહી છે. કોઈપણ ઘટના પાછળ કોંગ્રેસ નો હાથ જોવાની ભાજપની નબળાઈ એ સાબિત કરે છે કે કાયદા વ્યવસ્થા પર તેનો કોઈ અંકુશ રહ્યો જ નથી. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી એ પ્રેસ કરી કોંગ્રેસ ના નામે રોદણા રોવાના બદલે સરકારને સુરક્ષાના પુરતા પગલા લેવા અનુરોધ કરવો જોઇએ. ગાય, ગંગા,દાદરી અને બાબરીના નામે રાજનીતિ કરવા ટેવાયેલી ભાજપ વિપક્ષ પર દોષનો ટોપલો નાખી જવાબદારી માંથી છટકી શકે નહી તેમ અમિત ચાવડા એ જણાવ્યું હતું.

વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષ વતી હુ અપીલ કરૂ છું કે ઉશ્કેરાટ થી નહીં સમજદારી થી કામ લઈએ. કોઈપણ રાજ્ય નો વિકાસ અન્ય રાજ્યો ના સહકાર વિના અસંભવ છે. બંધારણની સમવાયતંત્રની ભાવના ને ઠેસ પહોંચાડવાના પ્રયાસોથી દૂર રહીએ. ગુન્હેગારને આ પરિસ્થિતિમાં તેના પરથી લોકો અને મીડીયાનું ધ્યાન ભ્રમિત થવાનો લાભ પણ મળી શકે છે માટે માત્ર ગુન્હેગાર ને જલ્દી અને કઠોર સજા મળે તે દીશામા પ્રયત્ન કરીએ.