કલોલ પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં કલોલ શહેરના વેપારીઓની બેઠક યોજાઇ

ગાંધીનગર જિલ્લામાં કલોલ શહેરના વેપારીઓ સાથે કલેકટર શ્રી કુલદીપ આર્યના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શ્રી એ.ડી.જોષીએ બેઠક યોજી હતી. તેમજ કોરોના વાયરસનું સંક્રમણ ધટાડવા માટે વેપારીઓએ કઇ કઇ બાબતનું ખાસ પ્રાધાન્ય આપવું તેની માહિતી આપી હતી. તેમજ વેપારીઓનો વિવિધ પ્રશ્નો પર મુક્ત મને ચર્ચા-વિર્મશ કર્યો હતો.

કલોલ શહેરમાં અનલોક થયાબાદ કોરોના વાયરસના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ધટે તે માટે તંત્ર સતત કાર્યરત છે. જાહેરનામાનું કડક પાલન થાય તે માટે ગઇકાલે જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય એ સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક પણ યોજી હતી.

આ બેઠક બાદ ગઇકાલે સાંજના કલોલ પ્રાંત અધિકારી એ.ડી.જોષીના અધ્યક્ષ સ્થાને કલોલ શહેરના અગ્રણી વેપારીઓ, દુકાનદારો અને નાના વેપારીઓ સાથે એક બેઠક યોજાઇ હતી. જેમાં પ્રાંત અધિકારીએ તમામ વેપારીઓને તેમની દુકાન પર આવતા ગ્રાહકો ફરજીયાત માસ્ક પેહરીને આવે તેવો આગ્રહ રાખવા.

દુકાનમાં ગ્રાહકોની સંખ્યા વધે તે દરમ્યાન સુચારું રીતે સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે તે માટે ખાસ તકેદારી રાખવા માટે જણાવ્યું હતું. તેમણે દુકાનદારોને પોતાની સુરક્ષા માટે હમેંશા માસ્ક પહેરવું, હાથમાં ગ્લોઝ પહેરવા અને સેનિટાઇઝરનો અવારનવાર ઉપયોગ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે વેપારીઓને અવારનવાર જાહેરનામાનો ઉલ્લંધન કરનાર દુકાનદાર સામે કડક હાથે પગલા ભરવાનું પણ જણાવ્યું હતું.

કલોલ નગરપાલિકા વિસ્તારમાં ગઇકાલે માસ્ક ન પહેરીને ફરતા ૧૦૮ વ્યકતિઓ પાસેથી રૂપિયા ૨૧, ૬૦૦ /- દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ અત્યાર સુધી ૩૩૦ જેટલા વ્યક્તિઓ પાસેથી માસ્ક ન પહેરવા બદલ ૬૬ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.