
બળદેવજી ઠાકોરનાં પત્ર બાદ કલોલ નગરપાલિકાએ ઓવરબ્રિજનું ટેન્ડર બહાર પાડ્યું
કલોલમાં બીવીએમ ફાટક પર ભારે ટ્રાફિક જામ થતો હોય છે જેને લઈને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે અહીં ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી હતી. આ બાદ સરકારે અહીં ઓવરબ્રિજની મંજૂરી આપી હતી તેમજ નાણાંની ફાળવણી કરવામાં આવી હતી. જોકે નગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા હાથ ના ધરતા ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ચીફ ઓફિસરને પત્ર લખીને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા અનુરોધ કર્યો હતો,જેને પગલે ગઈકાલે બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
આ ઓવરબ્રિજ રેલવે પૂર્વ વિભાગને પશ્ચિમ સાથે જોડશે. કલોલનો બીવીએમ રેલ્વે ફાટક અવાર નવાર બંધ રહેવાથી વાહનચાલકો ઉપરાંત અહીંના રહિશોને ભારે મુશ્કેલી પડતી હતી.કલોલ રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી પેસેન્જર ટ્રેન અને માલગાડીઓના કારણે બીવીએમ ફાટક દિવસે ભાગ્યે જ ખુલ્લો રહેતો હતો અને ફાટક બંધ રહેવાના કારણે પુર્વ અને પશ્ચિમ તરફના વિભાગને જોડતો આ રસ્તો સદંતર બંધ થઇ જતો હતો.અહીં ઓવરબ્રીજ બન્યા બાદ વાહનચાલકોનો સમય તેમજ મહામુલા ઇંધણની પણ બચત થશે.