
કલોલના આરસોડીયા વિસ્તારની પ્રજા અનેક સમસ્યાઓથી ત્રાહિમામ
કલોલ : કલોલ શહેરનો આરસોડીયા વિસ્તાર વિકાસથી વંચિત રહી જવા પામ્યો છે. નગરપાલિકા અને ગ્રામ પંચાયત વચ્ચે આવતા આ વિસ્તારમાં માણસો નહીં પણ ઢોર રહે છે એમ તંત્ર સમજી રહ્યું છે. અહીં ના રોડના ઠેકાણા છે ના ગટર પાણી કે ના કચરો ગંદકી હટાવવાના.
વર્ષોથી ચામુંડા સોસાયટીથી જગજીવન સોસાયટીને જોડતો રસ્તો બિસ્માર છે. જગજીવન સોસાયટી અને લાયન્સ નગર વચ્ચે આવેલ આરસોડીયા જતો રસ્તો 5 વર્ષથી ડિસ્કો રોડ બની ગયો છે. રોડ પર ગટરનું પાણી ઉભરાય છે,કપચી ઉપસી આવી છે, હજારો વાહનો આ રોડ પરથી પસાર થતા પંચર પડે છે પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહયું.
ગ્રામ પંચાયત હેઠળ આ વિસ્તાર આવેલ છે પરંતુ ગ્રામ પંચાયત કામમાં મીંડું છે. આરસોડીયાનો સોસાયટી વિસ્તાર સૌથી વધુ ટેક્સ ભરતો હોવા છતાં અહીં કોઈ સુવિધા નથી.
નવી બનેલ ઓમ રેસિડેન્સી સોસાયટી આગળ ઠેર ઠેર કચરાના ઢગલા છે પરંતુ તેને ઉપાડવાની તસ્દી ગ્રામ પંચાયતે લીધી નથી. રહીશોએ આ ઢગલા ઉપાડવાની ચીમકી આપી છે.કલોલ નગરપાલિકાએ પણ આ વિસ્તારને જોડતા રસ્તાઓ બનાવ્યા નથી તેવા સંજોગોમાં હવે ચૂંટણી સમયે મત માંગવા આવવાનું ભારે પડે તેમ લાગી રહયું છે.મતદારો વિફર્યા તો કોઈને સોસાયટીમાં નહીં ઘુસવા દે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.